Showing posts with label Narsih Mehta. Show all posts
Showing posts with label Narsih Mehta. Show all posts

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા


જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને
દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને
-નરસિંહ મહેતા

મારી હૂંડી સ્વીકારો મહારાજ


મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી,
મારી હૂંડી શામળીયાને કાજ રે શામળા ગિરધારી!
સ્તંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયા નરસિંહ રૂપ,
પ્રહ્લાદને ઉગારિયો…વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે!
ગજને વ્હાલે ઉગારિયો વળી સુદામાની ભાંગી ભૂખ,
સાચી વેળાના મારા વ્હાલમા…તમે ભક્તોને આપ્યા સુખ રે!
પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યાં ચીર,
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો…તમે સુભદ્રાબાઈના વીર રે!
રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર,
બેટાબેટી વળાવિયા….મેં તો વળાવી ઘર કેરી નાર રે!
ગરથ મારું ગોપીચન્દન, વળી તુલસી હેમનો હાર,
સાચું નાણું મારે શામળો….મારે મૂડીમાં ઝાંઝપખાજ રે!
તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણિકનો….મારું શામળશા શેઠ એવું નામ રે!
હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ,
રૂપિયા આપું રોકડા….મારું શામળશા શેઠ એવું નામ રે!
હૂંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધાં કામ,
મહેતાજી ફરી લખજો…..મુજ વાણોતર સરખાં કામ રે!

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી


ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળીo
અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળીo
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. ભોળીo
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળીo
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળીo
નરસિંહ મહેતા

અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં


અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે.. ગોકુળ ગામનાં..
મથુરાની વાટ મહિ વેચવાને નીસરી
નટખટ નંદકિશોર માગે છે દાણ જી
હે.. મારે દાણ દેવા, નઇ લેવા,
મૈયારા રે… ગોકુળ ગામના..
યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે.. મારે જાગી જોવું ને જાવું,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..
માવડી જશોદાજી કાનજીને વાળો
દુ:ખડા દી હજાર નંદજીનો લાલો
હે.. મારે દુ: સહેવા, નઇ કેહવા,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..
નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવા,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..
અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે.. ગોકુળ ગામનાં..
નરસિંહ મેહતા

આજની ઘડી રળિયામણી


હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.
હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.
હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.
હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.
હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ
માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.
હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.
જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.
          – નરસિંહ મહેતા