અખો – સમજણ વિના રે સુખ નહીં જંતને રે


સમજણ વિના રે સુખ નહીં જંતને રે;
વસ્તુગતિ કેમ કરી ઓળખય ?
આપમાં વસે છે આપનો આતમા રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ..
રવિ રવિ કરતાં રે રજની નહીં મટે રે,
અંધારું તો ઊગ્યા પૂંઠે જાય;
રુદે કવિ ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો રે,
થનાર હોય તે સહેજે થાય.. સમજણ..
જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રે,
ભોજન કહેતાં ભાંગે ભૂખ;
પ્રેમરસ પીતા રે તૃષ્ણા તુરત ટળે રે,
એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ.. સમજણ..
પારસમણિ વિના રે જે પથરા મળે રે,
તેણે કાંઈ કાંચન લોહ થાય;
સમજણ વિના રે જે સાધન કરે રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ..
દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે,
એને લઈ રૂમાં જો અલપાય;
એની અગ્નિથી રે રૂ નથી દાઝતું રે,
રતી એક સાચે પ્રલય થાય. સમજણ..
જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે,
તો વાણીરહિત છે રે વિચાર;
જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે,
કહે અખો ઊતર્યા પેલે પાર. સમજણ..